સોશિયલ મીડિયામાં ચમકતા યુવાનો, વાસ્તવિક જીવનમાં ઘેલછા સાથે સંઘર્ષતા : લોનમાં લીધેલો સ્માર્ટફોન, દેખાવમાં ખોવાયેલું જીવન : કમાણી ન હોવા છતાં યુવાનોમાં મોંઘા ફોન માટે દેખાદેખી.
ભુજ : આજના યુગનો યુવાન, હાથમાં ચમકતો આઈફોન લઈને પોતાની ઓળખ બતાવવા માંગે છે.
પણ ક્યારેક લાગે છે શું એ ચમકતી સ્ક્રીન પાછળ ક્યાંક કોઈ મનની ખાલી જગ્યા છુપાઈ છે? કોઈની પાસે કમાણી નથી, કોઈ વિદ્યાર્થી છે, તો કોઈ હજી સપના બાંધતો યુવાન છે છતાં સૌની ઈચ્છા એક જ: મારા હાથમાં પણ આઈફોન હોવો જોઈએ.
જ્યારે બજારમાં નવો આઈફોન 17 કે આઈફોન 17 પ્રો મેક્સ લોન્ચ થાય છે, ત્યારે જાણે યુવાનોમાં સ્પર્ધા શરૂ થઈ જાય છે એણે લીધો, તો હું કેમ નહીં?
ઘરેથી મનાઈ મળે તો મિત્રો કે ઓળખાણના નામે લોન લેવાય છે, લોન પર ફોન ખરીદાય છે, અને ક્યાંક ક્યાંક યુવતીઓ પોતાના બોયફ્રેન્ડ પાસેથી આ ફોન ગિફ્ટમાં લઈ લે છે.
પ્રેમની નિશાની હવે લાગણી નહીં, પણ મોંઘા ફોનનું મોડલ બની ગયું છે. ઘણા પરિવારોમાં માતાપિતા કહે છે, “બેટા, જરૂર છે તો લે, પણ વિચાર કરી લે ”
પણ આજના યુવાનો માટે “ફોન” હવે જરૂરિયાત નહીં, પ્રતિષ્ઠા બની ગયો છે. સોશિયલ મીડિયા પર ચમકવું, “લાઇક્સ” મેળવવું, લોકો વચ્ચે અલગ દેખાવું એ માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ સામાન્ય લાગે છે પણ શું ખરેખર એ ખુશી આપે છે?ફોન હાથમાં આવે છે, ફોટા પોસ્ટ થાય છે, પણ રાત્રે મનમાં ખાલીપો રહે છે “હું દેખાડું છું ઘણું, પણ અંદર શું છું?” એ પ્રશ્ન મનને કચવતો રહે છે. આ દોડમાં ઘણાં યુવાનો પોતાનું ભવિષ્ય ખોઈ રહ્યા છે.
લોનની ચિંતા, કાયમનું દબાણ, ઘરનાં સભ્યોની ચિંતા આ બધું તેમની અંદર દબાઈ રહ્યું છે કોઈ પોતાના મિત્ર પરનો વિશ્વાસ ગુમાવે છે, કોઈ સંબંધમાં ખોટ આવે છે માત્ર એટલા માટે કે દેખાવની દુનિયામાં પોતાનું સ્થાન ન ખોયે. સમાજશાસ્ત્રીઓ અને શિક્ષકો કહે છે કે આ સ્થિતિ બદલવા માટે નાણાકીય સમજણ અને માનસિક સંતુલન બંને જરૂરી છે.બાળકોને શીખવવાની જરૂર છે કે આત્મસન્માન મોબાઈલમાં નહીં, પણ વિચારોમાં છે માતાપિતાએ પણ સંતાનો સાથે પ્રેમથી વાત કરવી જોઈએ દબાણ નહીં, સમજણ આપવી જોઈએ.કારણ કે આઈફોન ખરીદીને એક ક્ષણની ખુશી મળે છે,
પણ આત્મસંતોષ એ તો સંયમ, સમજણ અને પોતાના પર વિશ્વાસથી મળે છે.આખરે એક જ સવાલ
ફોન તમે ખરીદી રહ્યા છો, કે ફોન તમને? ક્યારેક મનમાં ઝાંખી કરવી જોઈએ, કારણ કે ખરેખર જે ચમકે છે એ હંમેશા સોનું નથી હોતું.

0 Comments